Monday 22 December 2014

પર્સ પણ ખાલી નહીં રહે



તમારો મૂળાંક અને તમારા પર્સમાં રૂપિયાની નોટ કે સિક્કા વગેરે વચ્ચે સંતુલન કરીને તમે ધનવૃદ્ધિ કરી શકો છો. જો તમારે તમારું પર્સ હંમેશાં રૂપિયાથી ભરેલું રાખવું હોય તો મૂળાંક પ્રમાણે પર્સનો રંગ રાખવો. જન્મ તારીખનો સરવાળો કરવાથી મૂળાંક મળે છે. ઉદા. જન્મ તારીખ ૨૨ હોય તો ૨ + ૨ = ૪.
મૂળાંક ૧

જેમનો જન્મ ૧, ૧૦, ૧૯ અને ૨૮ તારીખે થયો હોય તેમનો મૂળાંક ૧ થશે. આ જાતકોએ લાલ રંગનું પર્સ રાખવું. પર્સમાં સો રૂપિયાની, વીસ રૂપિયાની નોટ અને રૂપિયાના સાત સિક્કા નારંગી રંગના કાગળમાં મૂકી રાખવા, સાથે એક તાંબાનો સિક્કો પણ રાખવો.
મૂળાંક ૨

૨, ૧૧, ૨૦ અને ૨૯ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૨ થશે. આવા લોકોએ સફેદ રંગનું પર્સ રાખવું. તેમાં એક રૂપિયાના બે સિક્કા અને વીસ રૂપિયાની એક નોટ ચાંદીના તારથી લપેટીને રાખવી. શક્ય હોય તો સાથે ચાંદીનો સિક્કો પણ રાખવો.
મૂળાંક ૩

૩, ૧૨, ૨૧, ૩૦ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૩ છે. આ જાતકે હંમેશાં પોતાની પાસે પીળા અથવા મેંદી રંગનું પર્સ રાખવું. પર્સમાં દસ રૂપિયાની ત્રણ નોટ તથા એક રૂપિયાના ત્રણ સિક્કા પીળા રંગના કાગળમાં મૂકી રાખવા. શક્ય હોય તો પર્સમાં સોનાનો સિક્કો અથવા તાર કે કરચ રાખવી.
મૂળાંક ૪

જેમનો જન્મ ૪, ૧૩, ૨૨ કે ૩૧ તારીખે થયો હોય તેમના માટે વાદળી રંગનું પર્સ શુભ રહે છે. પર્સમાં દસ રૂપિયાની બે અને વીસ રૂપિયાની બે નોટ ચંદનનું અત્તર લગાવીને રાખવી. ઘરના આંગણાની ચપટી માટી પડીકામાં મૂકીને પર્સમાં રાખવી.
મૂળાંક ૫

૫, ૧૪ અને ૨૩ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૫ હોય છે. આ જાતકોએ પોતાની પાસે લીલા રંગનું પર્સ રાખવું, જેમાં પાંચસો રૂપિયાની એક નોટ અને દસ રૂપિયાની પાંચ નોટ એક લીલા કાગળમાં મૂકીને રાખવી, સાથે વડનું પાન પણ રાખવું.
મૂળાંક ૬

૬, ૧૫ કે ૨૪ તારીખે જન્મેલા જાતકોનો મૂળાંક ૬ હોય છે. તેમણે ચમકદાર સફેદ રંગનું પર્સ પોતાની પાસે રાખવું. પાંચસો રૂપિયાની એક, સો રૂપિયાની એક નોટ તથા એક રૂપિયાના છ સિક્કા સિલ્વર ફોઇલમાં મૂકી તે પર્સમાં રાખવા. પર્સમાં એક પિત્તળનો સિક્કો પણ રાખવો.
મૂળાંક ૭

જેમનો જન્મ ૭, ૧૬ અને ૨૫ તારીખે થયો હોય તેમનો મૂળાંક ૭ થાય. તેમણે એકથી વધારે રંગવાળું એટલે બહુરંગી પર્સ રાખવું. તેમાં સો રૂપિયાની સાત અને વીસ રૂપિયાની એક નોટ નારંગી રંગના કાગળમાં મૂકી રાખવી. આ સિવાય એક માછલીનું ચિત્ર દોરેલું હોય તેવો સિક્કો પણ રાખવો.
મૂળાંક ૮

૮, ૧૭ અને ૨૬ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૮ હોય છે. આ જાતકોએ નીલા રંગનું પર્સ પોતાની પાસે રાખવું. સો રૂપિયાની એક અને વીસ રૂપિયાની ચાર નોટ નીલા રંગના કાગળમાં મૂકીને તે કાગળ પર્સમાં મૂકી દેવો. શક્ય હોય તો મોરપીંછનો એક ટુકડો રાખવો. (આ મોરપીંછ જમીન પરથી મળેલું હોવું જોઈએ.)
મૂળાંક ૯

૯, ૧૮ કે ૨૭ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક ૯ હોય છે. આજાતકોએ નીલા અથવા નારંગી રંગનું પર્સ પોતાની પાસે રાખવું. આ પર્સમાં પાંચસો રૂપિયાની એક અને બે રૂપિયાના બે સિક્કા ચમેલીનું અત્તર લગાવીને, નારંગી રંગના કાગળમાં મૂકવું, ત્યારબાદ આ કાગળ પર્સમાં મૂકી દેવું. સાથે-સાથે પિત્તળનો સિક્કો પણ રાખવો.
અન્ય ઉપાય

* કોઈ પણ શુભ મુહૂર્તમાં અથવા તમારા જન્મ દિવસે માતા-પિતા પાસેથી રૂપિયા લઈ તેના પર કેસરનું તિલક કરવું. ત્યારબાદ માતા-પિતાનાં ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવવા અને તે રૂપિયાને પર્સમાં મૂકી દેવી, આ રૂપિયાને વાપરવા નહીં.

* કોઈ પણ શુભ દિવસ કે મુહૂર્ત, અક્ષય તૃતીયા, ર્પૂિણમા અથવા દિવાળીના દિવસે પ્રાતઃકાળે ઊઠી જાઓ. નિત્યકર્મથી નિવૃત્ત થઈને એક લાલ રેશમી કપડામાં ચોખાના એકવીસ દાણા મૂકો. અહીં એક વાતનું ધ્યાન રાખવું કે ચોખાના બધા જ દાણા અખંડિત હોવા જોઈએ એટલે કે તૂટેલા દાણા ન મૂકવા. કપડામાં ચોખાના દાણાને બાંધી દો. પછી ધનની દેવી માતા લક્ષ્મીનું વિધિ-વિધાનપૂર્વક પૂજન કરો. પૂજામાં લાલ કપડામાં બાંધેલા ચોખા પણ મૂકો. પૂજન પૂરું થઈ ગયા પછી આ ચોખામાંથી થોડા ચોખા લઈને પર્સમાં કોઈને દેખાય નહીં એમ મૂકી દો. બાકીના ચોખા કપડા સહિત તિજોરીમાં મૂકી દો. આ પ્રયોગ કરવાથી થોડા જ સમયમાં ધનસંબંધી મુશ્કેલીઓ દૂર થવા લાગશે અને પર્સ પણ રૂપિયાથી છલોછલ રહેશે. એક વાતનું ધ્યાન રહે કે આ પર્સમાં ચાવીઓ ન મૂકવી.

No comments:

Post a Comment