Monday 16 March 2015

હું કેટલો બદલાઇ ગયો છું.

નાની સાઇકલમાં બહુ મજા આવતી આજે કાર પણ એ મજા નથી આપતી હું કેટલો બદલાઇ ગયો છું. છાસમાં પલાળેલી રોટલી પર મીઠું-મરચું નાંખીને ખાવાથી મળતો આનંદ મેકડોનાલ્ડના બર્ગર કે ડોમિનોઝના પિત્ઝામાંથી પણ નથી મળતો. હું કેટલો બદલાઇ ગયો છું. સાંધેલા ચપ્પલ પહેરીને મોટા ડુંગરાઓ ચડી જતો પણ આજે એડીદાસના શુઝ ડંખ્યા કરે છે. હું કેટલો બદલાઇ ગયો છું. ખેતર કે વગડામાં ઝાડવા નીચે પાથર્યા વગર પણ ઘસઘસાટ ઉંઘી જતો ને આજે એસી રૂમમાં પણ સતત પડખા બદલ્યા કરુ છું. હું કેટલો બદલાઇ ગયો છું. વેકેશનમાં મામાની ઘરે આખો મહીનો રહેતો એ મામા માત્ર મારા મોબાઇલમાં સેવ થયેલા છે વાત થતી નથી કે મળાતું નથી. હું કેટલો બદલાઇ ગયો છું. બે ચાર મિત્રોનો સહવાસ આખી દુનિયા સાથે છે એવી અનુભૂતિ કરાવતો અને આજે ફેસબુકમાં હજારો મિત્રો હોવા છતા સાવ એકલો હોઉં એમ લાગે છે. હું કેટલો બદલાઇ ગયો છું. કંઇ ખબર ન પડવા છતાય મંદિરમાં આંખ બંધ કરીને બેસતો અને ભગવાનની મૂર્તિ દેખાતી આજે મોટી મોટી ધ્યાન શિબિરો પણ મનને સ્થિર નથી કરી શકતું. હું કેટલો બદલાઇ ગયો છું. અગરબતીની સાથે સાવ મફતમાં આવતા અતરની સુવાસ દિવસો સુધી આવતી અને આજે નોટીકાના મોંઘા પરફ્યુમની સુવાસ બે સેકન્ડ પણ નથી અનુભવી શકતો. હું કેટલો બદલાઇ ગયો છું. ઠીકરાની પાટી અને માટીના પેનની મઝા આઇફોન અને આઇપેડ પાસે સાવ ઝાંખી પડે છે. હું કેટલો બદલાઇ ગયો છું. બેંક બેલેન્સ વધવા છતા પણ દિવસે દિવસે આનંદ ઘટતો જાય છે.
  • હું કેટલો બદલાઇ ગયો છું ...........