Friday, 1 February 2013

વૃદ્ધ પુરુષ

તમે ક્યારેય વૃદ્ધ પુરુષને રડતો જોયો છે? બાળકનું શસ્ત્ર રુદન છે. જુવાનીની નબળાઈ રુદન છે. વૃદ્ધત્વનું મૌન એ રુદન છે. વૃદ્ધત્વની ભાષા પણ મૌન હોય છે.
તે દિવસે બાપુજી મારી આગળ રડી પડ્યા હતા. મેં રડવા દીધા હતા. ભલભલાની છાલ ઉતારી નાખે એવા આ રાજકોટના જૈન વેપારી શાંતિકાકા મારી હાજરીમાં આંસુ સારતા હતા. બાપુજી સાથે મારે લોહીની સગાઈ નહોતી. તે મારા મિત્ર નયનના બાપુજી હતા.
અમેરિકામાં, ન્યૂ જર્સીમાં એડિસન શહેરમાં આવેલી ભવ્ય કેનેડી હૉસ્પિટલમાં અમે હતા. શાંતિકાકા અને રમાબા ઉનાળામાં ફરવા આવ્યાં હતાં. દેશ પાછા ફરવાના બે અઠવાડિયાં અગાઉ બાએ શ્વાસ લેવાની તકલીફની વાત કરી. તેમના નાના દિકરા નયન અને તેની પત્ની મીનળે તેમને હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે ભરતી કર્યાં. રમાબાને લંગ્ઝ કૅન્સર નીકળ્યું. બે-ત્રણ વરસથી તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી. પરંતુ ક્યારે ય તેમણે ચર્ચા કરી નથી. આજે ખબર પડી કે તેમને ફેફસાંમાં કૅન્સર હતું.
રમાબાના ઇન્ટેન્સિવ કૅર રૂમની લૉબીમાં, બાપુજીની સાથે હું અને મારી પત્ની મીના ઊભાં હતાં. તેમનો નયન અને મીનળ પણ હતાં. ત્યારે બાપુજીએ નયન તરફ જોઈને કહ્યું, 'હરીશ સવારનો અહીં ઊભો છે. તો તેને નીચે કાફેટેરિયામાં ગરમ ચૉકલેટ પીવા લઈ જઉં છું.' મારી પત્ની, નયન અને મીનળ સાથે લૉબીમાં ઊભી રહી.
બાપુજી મારો હાથ પકડીને એલિવેટર તરફ ચાલવા માંડ્યા. હાથ હૂંફાળો હતો, ધ્રુજતો હતો. એલિવેટરમાં અમે બે જ જણા હતા. બાપુજીના હાથની પકડ મારા હાથ પર મજબૂત થઈ. મેં જોયું તો તેમણે બીજા હાથ વડે ચશ્માં કાઢી નાખ્યાં. તેમની આંખોમાં આંસુ હતાં. મારો હાથ છોડી દીધો. રૂમાલ વડે આંખો લૂછવા લાગ્યા. મારી આંખોમાં જોઈને કહ્યું, 'હરીશ, તને કેમ લાગે છે?'
મેં કહ્યું, 'ના, ના. બાને કાંઈ નહીં થાય. આ અમેરિકા છે.'
'પણ પેલા ડૉક્ટરે તો તેમને ચોવીસ કલાક જ આપ્યા છે.' થોડોક શ્વાસ લઈને બોલ્યા, 'જો એને કાંઈ થઈ જશે તો હું મરી જઈશ... મરી જઈશ.' તેમણે બન્ને હાથ મારા ખભા પર મૂકી દીધા અને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા. તે જોઈને મને આંચકો લાગ્યો. એલિવેટર હૉસ્પિટલની લૉબીના ફ્લોર પર આવી ગયું, બારણાં ખૂલી ગયાં, તો ય બાપુજીએ રડ્યા કર્યું.
કાફેટેરિયામાં જતા પહેલાં લૉબીમાં તેમને પાણી પીવડાવ્યું. કાફેટેરિયામાં અમે બે ચીઝ સૅન્ડવિચ, બટાકાની તળેલી ચિપ્સ અને ગરમ ગરમ ચૉકલેટવાળું દૂધ લઈને એક ટેબલ પર બેઠા. શાંતિકાકા - બાપુજીએ તેમનો એક હાથ મારા હાથ પર મૂકી દીધો. માંદગીમાં અને દુ:ખમાં બીજા મનુષ્યનો સ્પર્શ દુ:ખ અડધું કરી દે છે. સ્પર્શ એક જાતની થેરાપી છે. શાંતિકાકાનું ઘર અને અમારું ઘર સાથે સાથે હતાં. મારાં બા અને રમાકાકી રસોડાની બારીમાંથી વાતચીત કરતાં અને ખાસ કરીને ઉનાળામાં અમારાં બન્ને ઘરની અગાશીમાંથી વડીલો પણ વાતો કરતા. નયન અમેરિકામાં છે અને મોટો દીકરો પ્રકાશ તેમનો 'લેલૅન્ડ'ની ટ્રક અને બસની એજન્સી ભારતમાં સંભાળતો હતો.
બાપુજીએ મને પાછું પૂછ્યું: 'તને કેવું લાગે છે? બા જીવશે?'
મેં તેમને ધરપત આપી: 'કાંઇ નહીં થાય. તમે ચિંતા ન કરો.'
તેમણે પ્લેટમાંની ચીઝ સૅન્ડવિચને જોયા કરી. પછી બોલ્યા: 'આવતે વરસે અમારે પરણ્યે પચાસ વરસ થશે. બાએ મને આટલાં વરસો સાચવ્યો છે. જો બા મરી જશે તો મારાથી નહીં જીવાય. જગતમા હું ક્યાંય હોઉં પરંતુ બા મારી સાથે જ હોય છે. તને એક ખાનગી વાત કહું? અમે પરણ્યાં ત્યારે લગ્નવેદિ પરથી શુક્લ મહારાજે અમને આકાશમાં સપ્તર્ષિ તારાના ઝુમખાનાં દર્શન કરાવ્યાં હતાં. તે દિવસથી અમે બન્ને રોજ રાતે આકાશમાં સપ્તર્ષિનું ઝુમખું જોઈએ છીએ.'
મારી આંખોના ભાવ બાપુજી સમજી ગયા. તે બોલ્યા: 'ઉનાળામાં અમે હંમેશા અગાશીમાં સૂતાં સૂતાં પથારીમાંથી આકાશમાં સપ્તર્ષિ શોધી નાખીએ અને એકમેકના હાથ પકડી અમે નક્ષત્રોની વાતો કરતાં. બા નાની હતી ત્યારથી તેને આકાશ જોવાની મઝા આવતી. હું દિલ્હી ગયો હોઉં કે મુંબઈ ગયો હોઉં તો હોટેલમાંથી બાને ઘેર ફોન કરું અને અમે બન્ને સાથે સપ્તર્ષિ જોઈએ. એક સાથે સપ્તર્ષિના ઝુમખાને જોવામાં અમને એકમેકના સ્પર્શનો ભાસ થતો, એકમેકની હાજરી અનુભવાતી હતી. આ સપ્તર્ષિ-દર્શન અમે જુવાનીમાં ચાલુ કર્યું હતું. અરે, અમે અમેરિકા આવતાં હતાં ત્યારે અરબી સમુદ્ર પર બાએ પ્લેઇનમાંથી સપ્તર્ષિ શોધી કાઢ્યા હતા.' આટલું બોલતામાં તો બાપુજીના મોં પર હાસ્યની લહેરખી આવી ગઈ. પછી ધીમેથી બોલ્યા, 'આ અમારું પ્રેમ-રહસ્ય કોઈને ખબર નથી. આજે તને કહ્યું.'
પાછા ગંભીર થઈ ગયા. પછી બોલ્યા: 'નયન કહે છે કે ઇન્ડિયા જતા રહો. અહીં બાની દવાઓના ખર્ચા બહુ - રોજના ચાર લાખ રૂપિયા - થાય છે કારણકે અમારો ઇન્સ્યોરન્સ નથી. અને ઇન્ડિયાથી પ્રકાશ ફોન કર્યા કરે છે, નવી બસો ઓર્ડર પ્રમાણે ડિલિવર કરવાની છે, તેને મારી જરૂર છે. પણ બાને છોડીને મારાથી કેમ જવાય? એક વાત કહું, હરીશ? માણસ આખી જિંદગી ગધ્ધાવૈતરું કરીને પૈસા કેમ કમાય છે? કારણ કે ઘડપણમાં પૈસો કામ લાગે. અને મારો પૈસો હમણાં કામ ન આવે તો ક્યારે આવશે? મારા બન્ને દીકરાઓની નજર મારા પૈસા પર છે. એમને મા નથી જોઈતી. મારે મારી પત્ની જોઈએ છે. બધું જ મંગલ થતું હોય ત્યારે બાળકો પ્રેમ વરસાવે એ તો સમજ્યા, પણ અમંગલ સંજોગોમાં એટલો જ પ્રેમ વરસાવે તો આપણું જીવ્યું સાર્થક. આ તો બબ્બે ઘર છે, છતાં અમને 'હોમલેસ' બનાવવાની વાતો ચાલે છે!'
વળી પાછા બાપુજી રડી પડ્યા. મેં એમને સાંત્વન આપ્યું અને નયનને સમજાવવાની વાત કરી.
અમે ઉપર બાના વૉર્ડ પાસે ગયા. ત્યાંથી વિઝિટિંગ સમય પૂરો થતો હોવાથી અમે સૌ છૂટાં પડ્યાં. બીજે દિવસે મેં નયનને સમજાવ્યું કે બા ઘેર ન આવે ત્યાં સુધી બાપુજીને ઇન્ડિયા જવા ન દેતો. નયન મારી વાત માની ગયો. પણ એક વાત મને ખૂંચી. તે બોલ્યો હતો: 'તને ખબર છે અહીંનાં ફ્યૂનરલ હોમ કેટલાં મોંઘાં છે તે - બા મરે તો સીધા દશ હજાર ડૉલર થાય! માટે એમની તબિયત વ્હીલચૅરમાં બેસવા જેવી થાય તો એમને પણ દેશ ભેગાં કરી દઈશ.'
મને લાગ્યું કે પૃથ્વી આખી 'જર, જમીન અને જોરુ'ની ચોપાસ ભ્રમણ કરી રહી છે. પૈસા-જમીન-સ્ત્રીએ તો 'પ્રેમ-સૌજન્યતા-વિવેક'ને ક્યાં ય ફંગોળી દીધાં છે.
સૌની પ્રાર્થનાથી કે પછી ડૉક્ટરોની દવાઓથી બાનાં ફેફસાં ચોખ્ખાં થવાં માંડ્યાં. હવે ચોવીસ કલાકમાં મરવાની વાતો બંધ થઈ ગઈ. બા વ્હીલચૅરમાં બેસતાં થઈ ગયાં, નયનને ઘેર આવી ગયાં. નયનના ઘરમાં એકે પગથિયું નહોતું એટલે તેમને વ્હીલચૅરમાં ખસેડવામાં વાંધો નહોતો આવતો. બા હવે લોકોને ઓળખી શકતાં હતાં. એમણે પોતાને હવે સારું છે એમ શાંતિકાકાને સમજાવી દિધું, અને શાંતિકાકા રમાબાને નયનને ઘેર છોડી ઇન્ડિયા ગયા. ઍરપોર્ટ પર મારો હાથ દબાવીને કહે કે, 'બાની કાળજી રાખજો. તું ય મારો દીકરો છે. બાને રોજ મળતો રહેજે.'
વાતને માંડ અઠવાડિયું થયું હશે અને બાની તબિયતે ઊથલો ખાધો. નયનનો ફોન આવ્યો. અમે હૉસ્પિટલમાં ધસી ગયાં. ડૉક્ટરે પાંચ-છ દિવસ હૉસ્પિટલમાં રાખ્યાં. કૅન્સર સ્પેશિયાલિસ્ટે એક સાંજે મને અને નયનને સામે બેસાડીને કહ્યું કે, 'બા એક અઠવાડિયું જીવે, કે એક વરસ પણ જીવે. જો દવાઓ આપ્યા કરીએ તો થોડું લાંબું જીવાય, પરંતુ હવે કૅન્સર દૂર નહીં થાય.'
બાને ઘેર લઈ આવ્યાં. બે-ત્રણ દિવસ પછી નયનનો ફોન આવ્યો. 'બાને ઘરમાં રાખવાના ઘણા પ્રોબ્લેમ્સ છે. મારાથી કે મીનળથી બાને બાથરૂમમાં ટોઇલેટ માટે લઈ જવાતાં નથી. બાના સ્પંજ-બાથ પણ અઘરા પડે છે. અમારી બન્નેની ફુલ-ટાઇમ નોકરી છે. આમે ય બાનાં બિલો પાછળ મારી બધી બચત ધોવાઈ ગઈ છે. વધુમાં મેડિકલ ઇન્સ્યોરન્સ નથી એટલે વિઝિટિંગ નર્સની શક્યતા નથી. એટલે તેમને 'આ દુનિયામાં કોઈ નથી' એવા હોમલેસ સ્ટેટસ પર નર્સિંગ હોમમાં દાખલ કરાવી દિધાં છે. આપણે એકે પૈસો ભરવાનો નહીં.'
આ નર્સિંગ હોમ મારી નોકરીના સ્થળ પાસે જ હતું. રોજ સાંજે વર્ક પછી ત્યાં બાની ખબર લેવાનું રાખ્યું. નયનને રોજ નોકરી પરથી આવીને બાને જોવા આવવાનો સમય નહોતો એટલે એ જવાબદારી મેં લઈ લીધી. આ નર્સિંગ હોમના આગળના ભાગમાં સુંદર ગાર્ડન હતો. બિલ્ડિંગ એક માળનું હતું. આગળના ભાગમાં ઓસરી હતી. અંદર ત્રણ બાજુ પર અડોઅડ રૂમો હતી. બધી રૂમની બહાર ઓટલો હતો. વચ્ચેના ભાગમાં ખુલ્લી જમીન હતી. ત્યાં ઉનાળામાં સુંદર ફૂલો હશે એમ લાગતું હતું. ઉનાળો પૂરો થઈ ગયો હતો, હવે તો નવેંબર આવ્યો હતો. ઠંડી ચાલુ થઈ ગઈ હતી. બધાં વૃધ્ધ સ્ત્રીપુરુશો પોતાની રૂમોમાં બેસીને ટી.વી. જોવામાં સમય ગાળતાં. હું ત્યાંની નર્સો સાથે વાતો કરી બાની મુશ્કેલીઓ સમજાવતો. હવે બાનું કૅન્સર શરીરના બીજા ભાગોમાં વિસ્તર્યું હતું. બા મને કહેતાં કે આ બધી નર્સો તેમને વઢે છે, અને પથારીમાં બેસી રહેવાનું કહે છે.
હવે હું પહેલાં બાને જોઈને પછી નોકરી પર જતો. અને સાંજે વળતાં નર્સિંગ હોમ પર ઊભો રહેતો. નયન અને મીનળ શનિ-રવિએ આવતાં. બા મને કાયમ પૂછતાં કે 'તારા બાપુજીનો ફોન આવ્યો ખરો?'... જોકે લવારી કરતાં ત્યારે બાપુજી સાથે ઘણી વાતો કરતાં.
રોજની જેમ તે સવારે હું નર્સિંગ હોમ પર ગયો. જોઉં છું તો બાની પથારી ખાલી હતી. નર્સને પૂછ્યું તો બોલી: 'ધૅટ હોમલેસ ઇન્ડિયન લેડી ઇઝ ડેડ. બૉડી હૉસ્પિટલમાં મોકલી દીધું છે.'
મારી આંખે અંધારાં આવી ગયાં. ઓફિસમાં જઈને ડૉક્ટર સાથે વધુ પૂછતાછ કરી. તેમના મારફત જાણવા મળ્યું, 'દરદી સ્ત્રી રાતે રૂમ છોડીને બહાર ઓટલા પર પગ લટકાવીને આકાશ તરફ ઊંચે જોતી બેઠી હતી. અડધી રાતે એવી હાલતમાં મરેલી મળી હતી. ગઈ રાતે ઠંડી કેટલી હતી? તે પાંચ-દશ મિનિટમા મરી ગઈ હશે!' ડૉક્ટરે મારો હાથ હાથમાં લઈને કહ્યું, 'તેનાં ફેફસાં આમેય કામ નહોતાં કરતાં. મને એ નથી સમજાતું કે રાતે રૂમ છોડીને બહાર આકાશમાં શું શોધતી હતી..?

No comments:

Post a Comment