એક ગામમાં આસ્તીકો અને નાસ્તીકો વચ્ચે ઈશ્વરના અસ્તીત્વ વીશે ઉગ્ર ચર્ચા થઈ રહી હતી. તેવામાં ત્યાંથી પસાર થતું કુંભારનું એક બળદગાડું ઉંડી ગટરમાં ઉથલી પડ્યું. આની જાણ થતાં આસ્તીકો અને નાસ્તીકો સૌ ત્યાં દોડી ગયા. સૌએ ધક્કા મારી ગાડું બહાર કાઢ્યું. કુંભારનાં બધાં જ માટલાં ભાંગી ગયાં હતાં. નુકસાન જોઈ કુંભારની આંખમાં આસું આવી ગયાં. આસ્તીકો અને નાસ્તીકોએ થોડા થોડા પૈસાનો ફાળો એકત્ર કરી નુકસાન ભરપાઈ કરી આપ્યું.
કુંભારે સૌનો આભાર માની જીજ્ઞાસાવશ પુછ્યું, ‘તમે સૌ અહીં શા માટે ભેગા થયા છો?’ બધાએ જવાબ આપ્યો, ‘અમે ઈશ્વર છે કે નહીં તે નક્કી કરવા અહીં ભેગા થયા છીએ.’ કુંભારે પુછ્યું, ‘પછી શું થયું ? કોઈ નીવેડો આવ્યો ?’ જવાબ મળ્યો, ‘ના…ચર્ચા હજી ચાલુ છે.’ કુંભારે જરા સંકોચ સાથે કહ્યું, ‘તમે બધા વીદ્વાનો છો. હું તો બહુ નાનો માણસ છું. મને એક પ્રશ્નનો જવાબ આપો,’ કહી કુંભારે આસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે મારી મદદે આવ્યા, તે શું વીચારીને આવ્યા ?’ આસ્તીકોએ કહ્યું, ‘અમે એવો વીચાર ર્ક્યો કે મુશ્કેલીમાં આવી પડેલા માણસને મદદ નહીં કરીએ તો એક દીવસ ભગવાનના દરબારમાં હાજર થવાનું છે ત્યાં શો જવાબ દઈશું ?’
કુંભારે નાસ્તીકોને પ્રશ્ન કર્યો, ‘તમે તો ભગવાનમાં નથી માનતા ! તમે કેમ મારી મદદે આવ્યા ?’ નાસ્તીકોએ કહ્યું, ‘અમે માનીએ છીએ કે માણસ જ્યારે મુશ્કેલીમાં આવી પડે છે ત્યારે આકાશમાંથી કોઈ ભગવાન તો મદદ કરવા આવવાનો નથી ! માનવતાને નાતે માણસે જ માણસને મદદ કરવી જોઈએ !’ કુંભારે આગળ કહ્યું, ‘તમે તમારી ચર્ચા અટકાવી મારી મદદે દોડી આવ્યા, મને આર્થીક મદદ પણ કરી, હું માનું છું કે મારે માટે તો તમે જ મારા ભગવાન છો. આવું માનવતાનું કામ કર્યા પછી તમે ઈશ્વરના અસ્તીત્વને સ્વીકારો કે નકારો, કોઈ જ ફરક પડતો નથી. ભાઈઓ, આસ્તીક છે તેમણે ભગવાનને નજરમાં રાખીને માનવતાનાં કામો કરવાં અને નાસ્તીક છે તેમણે ભગવાન નથી, તેથી આ તો આપણી જ ફરજ છે એમ સમજી માનવતાનાં કામો કરવાં જોઈએ !’ કહી કુંભાર તો રસ્તે પડ્યો..
કુંભારની વાત પેલા આસ્તીકો અને નાસ્તીકો સમજ્યા કે નહીં તેની જાણ નથી; પણ આપણને એક વાત સમજાય છે. ઈશ્વર છે કે નહીં તેની ચીંતા કર્યા વીના માણસે દુનીયામાં ભલાઈનાં કામો કરતા રહેવું જોઈએ. ભગવાન હશે તોય તેમને એવા જ આસ્તીકો ગમશે જે માણસના ઘોંચમાં પડેલા ગાલ્લાને ધક્કો મારી બહાર કાઢી આપે અને નાસ્તીકો માટે તો તેને કોઈ ફરીયાદ જ ન રહે જો તેઓ લોકોનાં ડુબતાં વહાણ તારશે, દુખીઓનાં આંસુ લુછશે. આસ્તીકતા કે નાસ્તીકતા કરતાં માનવતા મહાન છે. માનવતા જ સાચી પ્રભુતા છે. દરેક માનવીને પેલા કુંભાર જેટલી સમજ મળી જાય તો..!
No comments:
Post a Comment