Wednesday, 26 June 2013

મોટા કે નાના છો ?

એકવાર એક રાજા પોતાના મંત્રી અને સૈનિક સાથે જંગલમાં શિકાર માટે કરવા માટે નિકળ્યો. અનાયાસે ત્રણે ભુલા પડી ગયા અને જુદા પણ પડી ગયા. કોઇ રીતે બહાર નિકળવાનો રસ્તો મળતો નહોતો. આ જંગલના મધ્યભાગમાં કોઇ અંધ તપસ્વિ પોતાનો આશ્રમ બનાવીને નિવાસ કરતા હતા.

સૌ પ્રથમ રાજા આ આશ્રમ પાસેથી પસાર થયો. એણે તપસ્વિને જોયા એટલે ત્યાં ગયા અને કહ્યુ, " મહાત્માજી હું રસ્તો ભૂલી ગયો છું મારે નગરમાં જવું છે આપ મને રસ્તો બતાવશો? " તપસ્વિએ રાજાને નગર તરફ જવાનો રસ્તો બતાવ્યો. રાજા આભાર માનીને જતો રહ્યો.

થોડીવાર પછી મંત્રી ત્યાંથી પસાર થયા એણે તપસ્વિને જોયા એટલે એ પણ એમની પાસે આવ્યો અને કહ્યુ, " સાધુ મહારાજ , હું રસ્તો ભુલી ગયો છુ મને નગર તરફ જવાનો રસ્તો બતાવો." તપસ્વિએ કહ્યુ , " થોડીવાર પહેલા જ તમારા રાજા પણ આવ્યા હતા એ આ તરફના રસ્તેથી જ ગયા છે. આપ પણ એ રસ્તે જાવ એટલે નગર આવી જશે."

હવે પેલો સૈનિક પણ આ આશ્રમ પાસેથી નીકળ્યો એ પણ તપસ્વિ પાસે ગયો અને કહ્યુ , " બાવાજી , મારે નગર તરફ જવું છે મને રસ્તો નથી મળતો મારી સાથે આવીને મને નગર સુધી પહોંચાડો." પેલા તપસ્વિએ કહ્યુ , " જો ભાઇ , હું તો અંધ છુ એટલે સાથે નહી આવી શકું , થોડા સમય પહેલા તમારા રાજા અને મંત્રી આ રસ્તેથી જ ગયા છે ભાઇ સૈનિક તું પણ એ રસ્તેથી જ નગર તરફ જઇ શકીશ."
રાજા, મંત્રી અને સૈનિક ત્રણે નગરમાં પહોંચી ગયા સાથે મળીને જંગલની વાત કરતા હતા ત્યારે ખબર પડી કે કોઇએ પેલા તપસ્વિને પોતાનો પરિચય આપ્યો નહોતો છતા પણ એ અંધ તપસ્વિ રાજા , મંત્રી અને સૈનિકને કઇ રીતે ઓળખી શક્યા ?"

આ રહસ્ય જાણવા ત્રણે જંગલમાં ગયા અને પેલા તપસ્વિને મળીને વાત કરી કે આપ તો અંધ હતા અને અમે કોઇએ અમારો પરિચય આપ્યો નહોતો છતા તમે અમને કેમ ઓળખી ગયા?

પેલા તપસ્વિએ હસતા હસતા કહ્યુ કે તમે મને જે રીતે બોલાવ્યો અને મારી સાથે વાત કરી એ પરથી જ મને તમારા સ્થાનનો પરિચય મળી ગયો હતો.

તમે કેટલા મોટા કે નાના છો એ તમારા દેખાવ પરથી નહી તમારા વર્તન અને વાતો પરથી ખબર પડે છે!

No comments:

Post a Comment