Wednesday, 16 October 2013

બાળક હંમેશા ઉદાસ રહેતો

એક બાળક હંમેશા ઉદાસ રહેતો કારણ કે એ દેખાવમાં બીજા બાળકો કરતા સાવ સામાન્ય હતો. તેના દેખાવને કારણે સ્કુલમાં પણ બીજા વિદ્યાર્થીઓ એને ઘણી વખત ઉતારી પાડતા અને એટલે એ મોટા ભાગે એકલો એકલો જ રહેતો હતો. એકવાર એની શાળામાં પિકનિકનું આયોજન થયુ આ છોકરો પણ પિકનિકમાં જોડાયો. એની મમ્મીએ ખુબ સરસ રસોઇ બનાવીને લંચ બોક્સ તૈયાર કરી આપ્યું.

બીજા દિવસે બપોરના સમયે બીજા વિદ્યાર્થીઓ રમતો રમી રહ્યા હતા ત્યારે આ છોકરો એક ઝાડના છાંયડામાં બેઠો બેઠો મોજ-મસ્તી કરતા બધા વિદ્યાર્થીઓને જોઇ રહ્યો હતો. અચાનક એનું ધ્યાન પાછળના ભાગે ગયુ તો એનાથી થોડે દુર એક વૃધ્ધ સ્ત્રી એ જ ઝાડના છાંયડામાં બેઠી હતી. ચાર આંખો મળતા પેલી વૃધ્ધાએ સ્માઇલ આપ્યુ. છોકરાને એ ખુબ જ ગમ્યુ કારણ કે બહુ ઓછા લોકોએ એને દિલથી સ્માઇલ આપ્યુ હતું.

સ્ત્રીના ચહેરાના હાવભાવ જોતા બાળકને સમજાઇ ગયુ કે એ ભુખી છે અને એને ખુબ ભુખ લાગી છે કારણ કે એ ક્યારેક એની નજર બાળકના ચહેરા પરથી હટીને બાળકના હાથમાં રહેલા લંચ બોક્સ પર જતી રહેતી હતી. છોકરો ઉભો થયો અને એ વૃધ્ધાની નજીક જઇને બેસી ગયો. લંચ બોકસ ખોલીને એક કોળિયો વૃધ્ધાના મુખમાં મુક્યો. એ વૃધ્ધાની આંખમાં આંસું આવી ગયા એણે બાળકના માથા પર હાથ ફેરવ્યો અને પોતાના હાથથી એક કોળિયો બાળકના મુખમાં મુક્યો. બંને કંઇ જ બોલ્યા વગર એક બીજાની સામે જોતા રહ્યા અને એક બીજાના મુખમાં કોળિયા મુકતા રહ્યા.

લંચ બોક્સ ખાલી થયુ અને શિક્ષકે બધા વિદ્યાર્થીઓને બોલાવ્યા એટલે પેલો બાળક પણ જવા માટે ઉભો થયો. વૃધ્ધાએ બાળકના કપાળ પર પ્રેમથી એક ચુમી આપી અને છોકરો કુદતો કુદતો જતો રહ્યો. સાંજે ઘેર પહોંચ્યો એટલે છોકરાની ચાલ અને ઉત્સાહ પરથી જ ફળિયામાં બેઠેલી એની મમ્મીને સમજાઇ ગયુ કે આજે આ છોકરો કંઇક જુદા જ રંગમાં છે. એણે બાળકને પુછ્યુ , " બેટા , આજે કેમ આટલો બધો આનંદમાં છે ? કાયમ ઉદાસ રહેતા તારા ચહેરા પર આજે અનેરુ તેજ છે તારો હસતો ચહેરો જોઇને મારા કલેજાને પણ ટાઢક પહોંચે છે. "

બાળકે પોતાની માં ના કાન પાસે જઇને બહુ હળવા અવાજે કહ્યુ , " મમ્મી , કોઇને કહેતી નહી નહિતર કોઇ તારી વાત નહી માને પણ આજે મેં ભગવાન સાથે ભોજન લીધુ. "

મિત્રો , બધુ જ હોવા છતા પણ જ્યારે ઉદાસી આપણને ઘેરી વળે ત્યારે આ બાળકની જેમ જ ભગવાન સાથે ભોજન લેવાની જરુર છે. ભગવાન તો આપણી સાથે ભોજન લેવા બહુ આતુર હોય છે આપણને જ ક્યાં પડી છે એની સાથે બેસીને પ્રેમથી ભોજન લેવાની...

No comments:

Post a Comment