Saturday, 24 August 2013

મારા પ્રિય મિત્રો

એક પ્રખ્યાત વક્તાએ હાથમાં સો રૂપિયાની નોટ રાખી ભાષણ આપવું શરૂ કર્યું. આખો સભાખંડ ચિક્કાર ભરેલો હતો. ભાષણ શરૂ કરતાં જ તેણે હાથમાં પકડેલી સોની નોટ બતાવતા પૂછ્યું, ‘કોને જોઈએ છે આ સો રૂપિયાની નોટ?’
ધીમે ધીમે એક પછી એક હાથ ઉપર થવા લાગ્યા. એણે કહ્યું, ‘ભલે.

જેટલાએ હાથ ઉપર કર્યા છે એ દરેકને હું આ સો રૂપિયાની નોટ આપીશ પણ એ પહેલાં મારે કશુંક કરવું છે.’ એમ કહી એ સો રૂપિયાની નોટનો તેણે ડૂચો વાળી દીધો. ખંડમા…ં સન્નાટો વ્યાપી ગયો. એ ચૂંથાયેલી નોટ તેણે ધીમેથી ખોલી અને પૂછ્યું, ‘હજુ પણ આ નોટ કોને જોઈએ છે?’ ફરી હાથ ઉપર થવા લાગ્યા.

‘ભલે’ કહી એણે એ સો રૂપિયાની નોટ જમીન પર ફેંકી પોતાના બૂટ નીચે કચડી. ફરી ઊંચકી અને ડૂચો વળેલી, પગ નીચે ચગદાયેલી એ નોટ ઊંચી કરી પૂછ્યું, ‘હજુય આવી ખરાબ અને ધૂળવાળી નોટ કોને જોઈએ છે?’ છતાં ય બધાના હાથ ઉપર થયા.

‘મારા પ્રિય મિત્રો. ખૂબ મહત્વની વાત આજે આપણે શીખ્યા છીએ. આ નોટને મેં ડૂચો કરી, રગદોળી છતાં તમને જોઈએ છે, કારણ કે તમને ખબર છે કે એનાથી એની કીંમત ઘટશે નહીં.

અત્યારે પણ એ સો રૂપિયાની નોટ જ છે. આવી જ રીતે ઘણીવાર જીવનમાં આવતા સંજોગોને લીધે આપણે નીચે પડીએ છીએ, ખોટા નિર્ણય કે ભૂલને લીધે હતાશ, નિરાશ થઈ સંકોચાઈ જઈએ છીએ. આ નોટની જેમ જ ડૂચો વળી જઈએ છીએ અને આપણને લાગે છે કે આપણે સાવ નકામા થઈ ગયા છીએ પણ એવું નથી. કંઈ પણ થાય છતાં આપણી કીંમત નથી ઘટતી. આપણે બધા ખાસ છીએ – આ વાત ક્યારેય ન ભૂલતા.’

No comments:

Post a Comment