Saturday 31 August 2013

અફેર ખુલ્લા પાડવામાં મોબાઈલ મોખરે

મોબાઇલ ફોનમાં જાસૂસી કરવી કંઈ આજકાલની વાત નથી. એમાં પણ હવે વોટ્સ એપ, નિમ્બઝ અને મોબાઇલ ફેસબુક ઉપરાંત અનેક એપ્લિકેશન મોબાઇલમાં જ ઉપયોગ કરી શકાય છે. આ કારણે વાતચીત ઘણી આસાનીથી થઈ તો શકે જ છે, પણ એટલી જ આસાનીથી બીજી વ્યક્તિ પણ એને વાંચી શકે છે. એમાં પણ તમારી હિલચાલ જો થોડી પણ શંકાશીલ લાગે તો મોબાઇલમાં તપાસ થવાની શક્યતા વધી જ જતી હોય છે. અમદાવાદમાં પણ યુવાનોના સંબંધની ઊંચ-નીચમાં અન્ય વ્યક્તિ સાથેનો સંબંધ ઘણો મોટો ભાગ ભજવતો હોય છે. કોલેજ કેમ્પસમાં અને ઘરની આસપાસના વિસ્તારમાં એક કરતા વધુ વ્યક્તિ સાથે 'પ્રેમ'સંબંધ બંધાતો હોય છે. આવી વ્યક્તિ વિશે કોઈ પણ જાણકારી મેળવવી હોય તો મોબાઇલ સૌથી વધુ ઉપયોગી થઈ શકશે એવું એક અભ્યાસના તારણમાં જણાવવામાં આવ્યું છે.
પાર્ટનરને દગો આપતા પકડાયેલા લોકો પર કરાયેલા સર્વેક્ષણમાં જાહેર થયું હતું કે ૪૧ ટકા લોકોના પાર્ટનરે તેમના મોબાઇલ ચેક કરીને આ અનૈતિક સંબંધ વિશે જાણ્યું હતું. અંગત ચેટ કે ફોનમાં થતી વાતચીત ઉપરાંત તસવીરો કે વિડિયોના આધારે આ સંબંધ વિશે જાણકારી મળી હતી. બીજા ક્રમે ફેસબુક જેવી સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ આવી હતી. ૨૩ ટકા લોકોના અફેર વિશેની જાણકારી તેમના પાર્ટનરને આ વેબસાઇટની પ્રોફાઇલ મારફત મળી હતી. ૧૩ ટકા લોકોના કમ્પ્યુટરનો અંગત ડેટાની જાસૂસી પાર્ટનરે કરી ત્યારે તેના સંબંધ વિશે જાણ થઈ હતી. ૧૧ ટકા લોકો એ વાતથી અજાણ રહ્યા હતા કે તેમના પ્રેમીને અન્ય સંબંધ વિશેની ગંધ આવી ગઈ છે અને નિશ્ચિંત રહીને બીજી વ્યક્તિને મળ્યા હોય ત્યારે તેમનો 'ઇમોશનલ અત્યાચાર' થઈ ગયો હતો.
પાંચ ટકા કિસ્સામાં કુટુંબીજન કે મિત્ર દ્વારા મળેલી જાણકારીથી આ સંબંધ વિશે જાણકારી મળી હતી. બે ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાથી દોષની લાગણી થઈ હતી અને પાર્ટનર સામે તમામ હકીકત સ્વીકારી હતી. આ અભ્યાસમાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે ઝઘડા કે માથાકૂટમાં સૌથી મોટો ભોગ મોબાઇલનો લેવાતો હોય છે. દસમા ભાગના લોકોએ સ્વીકાર્યું હતું કે ઉગ્ર ચર્ચા કે ઝઘડો થયો હોય ત્યારે ગુસ્સામાં તેમણે મોબાઇલ તોડી નાખ્યો હતો. મોબાઇલ અત્યારે વ્યક્તિનું પ્રતિબિંબ બની ગયું છે. તેથી એક નાના મોબાઇલમાં વ્યક્તિની તમામ સારી અને નરસી બાબતો છુપાયેલી હોય છે તેથી વ્યક્તિના ચરિત્ર વિશે સાચી માહિતી મેળવવી હોય તો તેનો મોબાઇલનો સહારો લેવો જરૃરી થઈ પડે છે.
 

No comments:

Post a Comment