Tuesday 25 February 2014

જીવનમાં આવતી નાની નાની ખુશીની ઉપેક્ષા ના કરો..



એક માછીમાર ખુબ ભુખ્યો થયો હતો. કાયમ બીજા માટે માછલીઓ પકડવા જતો આ માછીમાર આજે પોતાના પેટ માટે માછલીઓ પકડવા આવ્યો હતો. સરોવરના કાંઠે બેસીને એને પાણીમાં જાળ નાખી થોડી વારમાં કંઇક જાળમાં ફસાયુ હોઇ એવું એને લાગ્યુ. જાળ બહાર કાઢીને જોયુ તો એક નાની માછલી હતી. માછલી હાથમાં લઇને વિચાર્યુ કે આતો બહુ નાની છે આનાથી મારુ પેટ નહી ભરાય.

એણે માછલીને પાછી પાણીમાં નાખી દીધી અને ફરીથી જાળ પાણીમાં નાંખી બીજી વાર પણ આવું ન થયુ. ભુખ વધતી જતી હતી અને મોટી માછલી મળતી નહોતી. બે કલાક કરતા પણ વધારે સમય થયો અને છતાય હજુ મોટી માછલી મળી નહોતી.

થોડા સમય પછી આ માછીમારનો મિત્ર ત્યાં આવ્યો એ પણ માછલીઓ પકડવા જ આવ્યો હતો. એણે જાળ નાંખી અને એની જાળમાં પણ નાની માછલી આવી. એણે એ માછલીને લઇને થેલીમાં મુકી. કલાક જેટલા સમયમાં તો 10-12 માછલીઓ મળી ગઇ એ તો થેલી લઇને ચાલતો થયો અને પેલો ત્રણ કલાકથી મહેનત કરી રહ્યો હતો મોટી માછલી માટે.

જતા- જતા મિત્ર આ માછીમાર ને કહ્યુ , “ ત્રણ કલાકમાં તે જેટલી નાની નાની માછલીઓને જવા દીધી એ બધીએ ભેગી કરી હોત તો તારુ નહી તારા આખા પરિવારનું પેટ ભરાતા પણ વધત.” માછીમાર તો આંખો ફાડીને મિત્રને જતા જોઇ રહ્યો.

.. આપણા જીવનમાં પણ અનેક નાની નાની ખુશીઓ આવે છે પણ મોટી ખુશીની અપેક્ષામાં આ નાની ખુશીને આપણે અવગણિએ છીએ. જો આવી નાની નાની ખુશીઓને ભેગી કરવામાં આવે તો એનાથી જ મોટી ખુશી બને છે...

No comments:

Post a Comment