Wednesday 21 October 2015

આ ધરા છાંડીને....

આ ધરા છાંડીને બીજા લોકમાં નીડ બાંધીએ 
ચાલ વ્હાલી ત્યાં વસંતી ફાગ-ગાણા ગાઈએ
આ હવા હદથી વધારે થઇ ગઈ મેલી હવે ,
ત્યાં નવી લહેરો ઉપર સપના નવા શણગારીએ
આ નર્યા કાગળના વેલા કેટલું વળ ખાય છે 
કાચના કુંડામાં ક્યાં લગ ફાલ ને ફણગાવીએ
આભમાં પણ આ સડકના મૂળ લંબાયા હવે 
આભ જેવા આભને પણ ક્યાં લગી સમજાવીએ
સાંજ અહી ઢળતી નથી પીળી આ ઝાકમઝોળમાં 
ચાલ ત્યાં નક્કોર શીળી ચાંદનીમાં નાહીએ
આ નગરનું મતલબી માણસ હવે ગંધાય છે 
ચાલ ત્યાં ભીનું પીમળતું વન થઈને ફાલીએ
વ્હાલી અહી તો ગોઠવેલી જૂઠી નદીઓના ઝરણ 
ચાલ ત્યાં સાચુકલા દરિયા નયનમાં આંજીએ
ધાર કે ત્યાં રાજ તો કરવા નહિ મળશે છતાં 
રાજા-રાણી ની અધુરી વાર્તાઓ માંડીએ
<> પરશુરામ ચૌહાણ