Monday 9 September 2013

મદદ કરવી હોય તો આવી રીતે કરાય...

એકવાર મારી તરુણ વયે હું અને મારા પિતા સરકસની ટીકીટ લેવાની લાઈનમાં ઉભા હતા.છેવટે અમારી અને ટીકીટબારી વચ્ચે એકજ પરિવાર રહ્યો. એ પરિવારને હું કદી નહિ ભૂલું. તેમાં આઠ બાળકો હતા. બધાં ૧૨ વર્ષની નીચેનાં.તેમને જોઈને ખ્યાલ આવી જતો હતો કે તેમની આર્થિક હાલત ખાસ સારી નહોતી.તેમનાં કપડાં બહુ કિંમતી નહોતાં, પણ સાફ અને સુઘડ હતા.તેમનું વર્તન પણ સરસ હતું.માં બાપની પાછળ બે બેની જોડીમાં હાથ પકડીને તેઓ શાંતિથી તેઓ ઉભા હતા.તેઓ અંદર અંદર ઉત્સાહથી જોકરની,હાથીની અને સર્કસના બીજા ખેલોની વાતો કરતા હતા.તેમને પહેલાં કદી સરકસ જોયું નહિં હોય એ સમજાતું હતું.આજે રાત્રે તેઓ પહેલી વાર સરકસ જોવાના હતાં. તેનો આનદ તેમનાં કુમળાં મોં પર ચમકતો હતો.

પિતા અને માતા ગરીમાપૂર્વક ઉભાં હતાં. પત્નિએ પતિનો હાથ પકડી રાખ્યો હતો. તેના તરફ તે એવી ચમકતી આંખે જોતી હતી જાણે કહેતી હોય, “ તું અમારો વિજેતા યોધ્ધો છે”.પતિ પણ તેની સામે સ્મિત વેરી રહ્યો હતો.જાણે કહેતો હોય “ તું મારી પ્રેરણા છે.”

ટિકિટ વેચનાર બાઈએ પેલા આઠ બાળકોના પિતાને પૂછ્યું,”કેટલી ટિકિટ આપું?” પિતાએ કહ્યું,”આઠ બાળકો માટેની,બે પુખ્ત વયના માટેની.આજે તો મારે મારા પરિવારને સરકસ દેખાડવું જ છે.” પેલીએ તેને ટીકીટો માટે થતી રકમનો આંકડો કહ્યો.

આંકડો સાંભળી પત્નીના હાથમાંથી પતિનો હાથ છૂટી ગયો.પતિના હોઠ ધ્રુજવા લાગ્યા. તેણે કંપતા અવાજે પુછ્યું ‘કેટલા કહ્યા?’

પેલીએ ફરીવાર રકમ કહી.એટલા પૈસા પતિ પાસે હતાં નહીં. પણ એ વાત તે પોતાની પાછળ ઉત્સુકતાથી ઉભેલાં બાળકોને કેવી રીતે કહે? કેવી રીતે કહે કે તમારા પિતા પાસે તમને સરકસ બતાવવાના પૈસા નથી?

આ જોઈને મારા પિતાએ ખિસ્સામાં હાથ નાખી 100 Rs.ની નોટ કાઢી અને જમીન પર પડવા દીધી.(પૈસાદાર તો અમેય નહોતા)પછી મારા પિતાએ સહેજ નીચે નમી, એમણે જ પાડેલી નોટ લઇ પેલા માણસને કહ્યું, ‘જુઓ ભાઈ, આ તમારા ખિસ્સામાંથી પડી ગઈ છે.’

પેલો પુરુષ સમજી ગયો.તે કોઈની પાસે માગે એવો કે મદદ સ્વીકારે એવો નહોતો. પણ આ રીતે મદદ કરીને દિલ તોડી નાખનારી અને મુંઝવણભરી સ્થિતિનો આવી રીતે મદદ કરીને હલ કાઢનારની લાગણીને તે સમજી શક્યો. તેણે મારા પિતાની આંખોમાં જોયું, મારા પિતાના હાથને પોતાના બન્ને હાથમાં લઇ દબાવ્યો. તેની આંખોમાંથી આંસુનાં ટીપાં તેના ગાલ પર સરી પડ્યાં. તેણે નોટ લઈને કહ્યું, ‘થેંક યૂ. થેંક યૂ. સર. મારો પરિવાર અને હું આ વાત કદી નહીં ભૂલીએ.’

હું અને મારા પિતા સરકસ જોયા વિના જ પાછા ફર્યા. ઘરે આવ્યા. અમે સરકસ ગુમાવ્યું હતું. પણ અનેકગણો આનંદ લઈને આવ્યા હતાં.

No comments:

Post a Comment