Sunday, 29 June 2014

આજે અષાઢી બીજ : કચ્છીમાડુઓ આજે ઉજવશે નવુ વર્ષ, જાણો તેમના નવા વર્ષનો મહિમા

અષાઢીબીજના દિવસે અનેક લોકો અવનવી રીતે ઉજવણી કરતા આપણને જોવા મળતા હોય છે. કોઇ ઘરનુ વાસ્તુ કરે છે તો કોઇ દુકાન કે ફેક્ટરીનુ પૂજન કરતા હોય છે. પરંતુ આ વાત તો કંઇક અલગ જ છે કે, જેમાં કચ્છી માડુઓ અષાઢીબીજના પવિત્ર દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. આજે કચ્છીમાડુઓ તેમના નવા વર્ષની ઉજવણી ધામધુમથી કરશે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કચ્છીમાડુઓને નવા વર્ષની ઉજવણીની શુભકામનાઓ આપી છે. અષાઢીબીજના પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણની રથયાત્રા કાઢીને કચ્છી માંડુઓ નવા વર્ષની ઉજવણી કરે છે. બીજના દિવસે જંગદબા મા ખોડિયારના પ્રાગટ્ય દિવસની પણ ઉજવણી મોરબી ખાતે કરવામાં આવે છે.

આ પ્રસંગે હજારોની સંખ્યામાં પટેલ સમુદાયના ભક્તજનો દ્વારા મંદિર ખાતે હાજરી આપવામાં આવી હતી અને 52 ગજની ધજા પણ માતાજીને અર્પણ કરવા માં આવી હતી. મંદિર પર ધજા ફરકાવીને ભક્તજનોએ પોતાનો આત્મસંતોષ અને ઇશ્વર પ્રત્યેની ઉંડી શ્રદ્ઘા પણ વ્યક્ત કરી હતી.

કચ્‍છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે આ પાછળ પણ એક રસપ્રદ માન્‍યતા સંકળાયેલ છે. આમ તો કચ્‍છ રાજ્‍યની સ્‍થાપના ખેંગારજી પહેલાએ સવંત ૧૬૦૫માં માગસુર સુદ પાંચમના રોજ કરી હતી. પરંતુ કચ્‍છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ પણ ઇતિહાસકારોએ નોંધ રાખી છે. કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો કુલ્‍વણી એક તજસ્‍વી અને હોંશીયાર રાજવી હતા. અવનવું વિચારી નવા વિચારો જ અમલમાં મુકતા. આ રાજવટને એક વેળા વિચાર આવ્‍યો કે આ પૃથ્‍વીનો છેડો ક્‍યાં હશે..? બસ પછી તો શું રહ્યું કેટલાંક બહાદુર સિપાઇઓ લઇને આ રાજ રસાલો નીકળી પડયો પુથ્‍વીનો છેડો શોધવા..?

પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા ન મળી અને એમણે પરત ફરવું પડયું એ સમયે અષાઢ માસ શરૂ થયેલા અને સ્વરા વરસાદથી વનરાજી ઠેર- ઠેર ખીલી ઉઠેલી પ્રકૃતિ સૌદર્ય ભરપુર હતું. જેને પગલે તેમનો આભા પ્રસન્‍ન થયો અને તેમણે કચ્‍છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા કચ્‍છ ભરમાં ફરમાન મોકલ્‍યું બસ ત્યારથી કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે.

કચ્‍છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્‍છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે. કચ્‍છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્‍ય ગણાય છે. કચ્‍છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસા અને ત્‍યાં તો કહેવત પડી ગઇ છે. કે “અષાઢી બીજ વંડર કા વીજ” અહીં એક માન્‍યતા એવી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો શુકનવંતુ ગણાય છે. કચ્‍છના નવા વર્ષના આગમન વેળાએ થતા કચ્‍છના ઇતિહાસની એક ઝલક જોઇએ તો કચ્‍છમાં એક વેળાએ સિધુ નદી વહેતી હતી. જેથી કચ્‍છી માડુંઓ ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા.પરંતુ મોગલ શાસકએ આવી કચ્‍છીઓની મુખ્‍ય આધાર સમી સિંહ નદીનું વહેણ બદલી સિંઘ તરફ વાળી દેતા કચ્‍છમાં પાણીની સમસ્‍યા વર્તાજા લાગી અને લીલી હરીયાળીમાં રચનારું કચ્‍છ એક રણપ્રદેશ બનવા લાગ્‍યું, છતાં પણ આ તો કચ્‍છીઓનું ખમીર અનેક મુશ્‍કેલીઓમાંથી રસ્‍તો કરી આગળ ધપતા ગયા. કુદરતે પણ ધરતીકંપ સહીતની અનેક કસોટી કરી છતાં પણ કચ્‍છી માડુંઓ પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા.

આશરે ૮૬૦ વર્ષથી કચ્‍છી માડુંઓ અષાઢી બીજના દિનને નવા વર્ષ તરીકે ધામધૂમથી ઉજવતા આવ્‍યા છે. ખેડુતો પોતાના ખેતીના સાધનોની પુજા કરે છે… ઘરની બહાર દીવા અને રોશની કરી. ભગવાનને તથા વડીલોને પગે લાગી મીઠાઇઓ એક બીજાને ખવડાવા સર્વેને નવા વર્ષની શુભેચ્‍છા આપે છે.

No comments:

Post a Comment