Tuesday, 25 February 2014

ઇન્દિરાએ પીએમ પદની રેસમાં

રશિયાના તાશ્કંદમાં ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના અચાનક અવસાનના કારણે આખા દેશને ભારે આઘાત લાગ્યો અને શાસ્ત્રીજીના અવસાન બાદ એ પ્રશ્ન ઉપસ્થિત થયો કે, દેશના વડાપ્રધાન કોણ...? મોરારજી દેસાઈથી નારાજ એવા કોંગ્રેસ અધ્યક્ષ કામરાજનાં નેતૃત્વમાં સિન્ડિકેટ ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં લાગી ગયું પરંતુ મોરારજી દેસાઈ આ વખતે ચુપ ન બેઠા. તેમણે પોતાની ઉમેદવારી જાહેર કરી દીધી. સંસદીય દળમાં વડાપ્રધાન પદ માટે ચૂંટણી થઈ. આ ચૂંટમીમાં સિન્ડિકેટ તેમજ રાજ્યોના મોટાભાગના મુખ્યમંત્રીઓ ઈન્દિરા ગાંધીના પક્ષમાં હોવાના કારણે ઈન્દિરાની જીત થઈ અને વડાપ્રધાન ઈન્દિરા ગાંધી બન્યા.

મોરારજી દેસાઈ એ સમયે પણ મંત્રી મંડળમાં શામેલ ન થયા પરંતુ એક વર્ષની અંદર જ કોંગ્રેસ પાર્ટીના સમીકરણ બદલાવવાનાં શરુ થઈ ગયા હતા. સિન્ડિકેટ ઈન્દિરા ગાંધીને વડાપ્રધાનની ખુરશી પર બેસાડવામાં સફળ રહ્યું. એ જ સિન્ડિકેટને ઈન્દિરા ગાંધીએ ધીરે ધીરે દુર કરવાનુ શરુ કરી દીધું હતું. આ વચ્ચે ૧૯૬૭માં લોકસભાની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં કોંગ્રેસને જીત તો મળી, પરંતું, જીતની સરસાઈ વધારે ન હતી. આવી પરિસ્થિતિમાં મોરારજી દેસાઈએ પોતાની જાતને વડાપ્રધાન પદ માટે આગળ ન ધરી પરંતુ ઈન્દિરા ગાંધીને સિન્ડિકેટના દબાવ હેઠળ પોતાની સરકારમાં મોરારજી દેસાઈને ઉપવડાપ્રધાન પદે રાખવા જ પડયા.

૧૩ માર્ચ ૧૯૬૭માં કેન્દ્રીય મંત્રી મંડળના શપથ ગ્રહણ સમારંભમાં મોરારજીભાઈ દેસાઇએ ઉપવડાપ્રધાનની સાથે કેન્દ્રીય નાણા મંત્રી પદની પણ જવાબદારી સ્વીકારી. જોકે, બેન્કોના રાષ્ટ્રીયકરણના મુદ્દે ઈન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ વચ્ચે મતભેદો ઉભા થયા અને ૧૬ જુલાઈ ૧૯૬૯માં મોરારજી દેસાઈ પાસેથી ઈન્દિરા ગાંધીએ નાણા મંત્રાલય લઈ લીધુ. આ દિવસે સાંજે જ ઈન્દિરા ગાંધીએ ૧૪ બેંકનું રાષ્ટ્રીય કરણ કરવાની જાહેરાત કરી દીધી.

મોરારજી દેસાઈ સરકારની બહાર નિકળ્યા અને તેના છ મહિનામાં જ કોંગ્રેસ સંગઠનમાં ભૂકંપ આવી ગયો. ઈન્દિંરા ગાંધીએ પહેલા તો રાષ્ટ્રપતિપદ માટે કોંગ્રેસના સત્તાવાર અધિકારી નીલમ સંજીવ રેડ્ડીનું નામ આગળ ધર્યું અને પાછળથી વી.વી. ગીરીને પોતાના ઉમેદવાર તરીકે ઉભા કરી દીધા. જેના કારણે સિન્ડિકેટ અને ઈન્દિરા ગાંધી સામસામે આવી ગયા. જ્યારે ચૂંટણીનાં પરિણામો આવ્યા ત્યારે, કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રેડ્ડી હારી ગયા અને ગીરી જીતી ગયા. કોંગ્રેસ અધ્યક્ષ નીજલિંગપ્પા વિરુદ્ધ ઈન્દિરા ગાંધીએ પોતાના સમર્થકો દ્વારા દબાણ વધારવા માંડયું. જગજીવન રામ અને ફખરુદ્દીન અલી અહેમદે કોંગ્રેસ અધ્યક્ષ પર તેઓ સ્વતંત્ર પાર્ટી અને જનસંઘ સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આક્ષેપ કર્યો. ઝગડો વધતો ગયો. જેનુ અંતિમ પરિણામ એમ આવ્યુ કે, ૧૧ નવેમ્બરે મળેલી કાર્ય સમિતિની બેઠકમાં ઉપસ્થિત ૧૧ સભ્યોએ સર્વાનુમતે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને કોંગ્રેસમાંથી કાઢી નાખવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો.

ગુસ્સે થયેલા ઈન્દિરા ગાંધીએ ૧૩ નવેમ્બરે સંસદીય દળની બેઠક તો બોલાવી પણ એમાં કોંગ્રેસ અધ્યક્ષના સમર્થક સભ્યો ન આવ્યા. જે પણ સભ્યો ગયા, તેમણે કોંગ્રેસના નિર્ણય વિરુદ્ધ ઈન્દિરા ગાંધીને જ પોતાનાં નેતા ચૂંટ્યા. ૧૬ નવેમ્બરે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ નિજલિંગપ્પાનાં સમર્થક સાંસદોની બેઠક મળી જેમાં મોરારજી દેસાઈને સંસદીય નેતાઓના નેતા ચૂંટવામાં આવ્યા. આ જૂથમાં કુલ ૬૫ સાંસદો રહ્યા. જ્યારે બાકીનાં સાસંદો ઈન્દિરા ગાંધી સાથે રહ્યાં. આ સાથે જ કોંગ્રેસ બે વિભાગમાં વહેચાઈ ગયું. નિજલિંગપ્પાની અધ્યક્ષતાવાળુ જુથ 'ઓ' તરીકે અને ઈન્દિરા ગાંધીની સમર્થન વાળુ જુથ 'આર' તરીકે અલગ પડયું.

જોકે, સંસદની અંદર પણ 'આર'નો પણ પોતાનો કોઈ બહુમત ન રહ્યો પરંતુ ઈન્દિરા ગાંધી વામપંથી દળો અને અન્ય કેટલીક નાની નાની પાર્ટીઓના સહયોગથી પોતાની સરકાર બચાવવામાં સફળ રહ્યાં. ઈન્દિરા ગાંધીએ ચૂંટણીનો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે ૧૯૭૨માં ચૂંટણી થવાની હતી પરંતુ ૨૭ ડિસેમ્બર ૧૯૭૦ના દિવસે ઈન્દિરા ગાંધીએ માર્ચ વર્ષ ૧૯૭૧માં ચૂંટણી યોજાવાની જાહેરાત કરી દીધી. ઈન્દિરા ગાંધીએ પોતાના પ્રચાર અભિયાન અંતર્ગત ગરીબી હટાવોનો નારો આપ્યો તો મોરારજી દેસાઈના નેતૃત્વવાળી કોંગ્રેસે નારો આપ્યો, ઈન્દિરા હટાવો. આ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીના નેતૃત્વ વાળી પાર્ટીએ લોકસભાની ૫૧૫માંથી ૩૧૫ સીટો પર કબજો મેળવી લીધો. જોકે મોરારજીની કોંગ્રેસની ઝોળીમાં ગણતરીની જ સીટો આવી.

No comments:

Post a Comment